ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની આગામી ફિલ્મમાં સ્વર કિન્નરી લતા મંગેશકરને પોતાની રીતે સ્વરાંજલિ અર્પણ કરશે એવી માહિતી મળી હતી. આ અંગે મળેલી માહિતી મુજબ નિર્માત્રી પ્રેરણા અરોરા લતાજીનાં કેટલાંક ગીતોના રાઇટ્સ મેળવવા પ્રયાસો કરી રહી છે.
ખુદ ઐશ્વર્યા પોતાની રીતે આ ગીતોનું નવસર્જન કરવાના પ્રયાસો કરશે. પ્રેરણાની ફિલ્મ ફન્ને ખાનમાં ઐશ્વર્યા ગાયિકાનો રોલ કરી રહી હતી. આ ફિલ્મમાં એની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ ચમકી રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂરની પુત્રી બનતા પાત્રને પણ લતા નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં લતાજીનાં ગીતોના ઓરિજિનલ સાઉન્ડટ્રેક્સ રજૂ કરવા ઉપરાંત કેટલાંક ગીતોને ઐશ્વર્યા પોતાની રીતે રજૂ કરે એવી પણ શક્્યતા છે. આ અંગે લતાજીનું ધ્યાન ખેંચવામાં આવ્યું ત્યારે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે મને યાદ છે ત્યાં સુધી ઐશ્વર્યા માટે પહેલીવાર મેં મોહબ્બતેં ફિલ્મમાં ગાયું હતું.
એ ગીત હમ કો હમ સે ચુરા લો હિટ નીવડયું હતું. એ ગીતની બંદિશ સરસ હતી અને ઐશ્વર્યાએ પણ એના પર બહુ સરસ રીતે લીપ મુવમેન્ટ કરી હતી..